પ્રિય મિત્રો,
તમને ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી સાહિત્ય રસિક મળે કે જેણે ગંગાસતીના ભજનો ન સાંભળ્યા હોય…! ખુબજ સાદા શબ્દોમાં જીવનની ગુઢતાને હૃદયસ્પર્શી રીતે વણીને ગંગાસતીએ તેમના ભજનોમાં મુકી છે…! આમ તો ગંગાસતી અભણ હતા… તેમણે ક્યાંય અક્ષર જ્ઞાન મેળવ્યુ ન હતુ… છતા પણ તેમણે લખેલા (ગાયેલા) એક એક ભજન પર ગુજરાતી સાહિત્યના અભ્યાસ કરનાર પી.એચ.ડીની આખે આખી થીસીસ લખી શકે એટલુ ગહન જ્ઞાન છુપાયેલુ હોય છે…!
આજે મારે ગંગાસતીના ખુબ જ લોકપ્રિય ભજન “મેરુ તો ડગે પણ જેના મન ન ડગે રે…” (આ ભજન સાંભળવા તથા તેના શબ્દો વાંચવા અહી ક્લીક કરો…) ની ચર્ચા કરવી છે…!
આ ભજનમાં મનની મક્કમતા અને મનોબળ કેવુ હોવુ જોઈએ તેની વાત કરી છે…! તમે કોઈ વાતનો નિર્ણય કરો અથવાતો નિર્ધાર કરો તો તેને કઈ રીતે પાર પાડી શકો અને કેટલા મજબુત મનોબળની જરુર પડૅ તે ગંગાસતીએ આ ભજનમાં ખુબ જ સૂદર શબ્દોમાં વર્ણાવ્યુ છે…!
મેરુ તો ડગે – મેરુ એટલે પર્વત… પર્વત જેવો પર્વત કે હિમાલય કે ગીરનાર જેવો પર્વત તેના સ્થાનથી ડગી જાય તો ભલે ડગી જાય પણ જે માનવીના મન અને મનોબળ ક્યારેય ડગતા નથી તેવા માનવીઓ આ જગતને બદલાવી શકે છે… ભલે આ આખુ બ્રહ્માંડ ભાંગી પડૅ અને જે થવુ હોય તે થાય પણ જે માનવીનુ મન નથી ડગતુ તે સમાજને બદલી શકે છે…! માર્ગમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે… અને માર્ગ જેટલો સરળ તેટલો તે દોષપુર્ણ હોવાની શક્યતા વધારે…! માર્ગની મુશ્કેલીઓથી અને વિપદાઓથી જે ગભરાતો નથી તે માનવી તેની મંઝિલ સુધી પહોચી શકે છે અને બીજાને પણ મંઝિલ સુધી પહોચવાની રાહ બતાવી શકે છે…!
અન્ય પંક્તિઓમાં ગંગાસતી ચિતની વૃતિને નિર્મળ રાખવાની વાત કરે છે… અને કોઈની પણ પાસેથી કોઈ પણ વસ્તુની આશા ન રાખવાની સલાહ આપે છે… જ્યાં સુધી તમારુ ચિત નિર્મળ નહી હોય ત્યાં સુધી વિચારોમાં નિર્મળતા ન આવે અને વિચારો દુષિત થાય એટલે બધુ જ દુષિત થાય… વળી, આશા એ તો દુઃખની માતા છે… આશા જ દુઃખને જન્મ આપે છે અને આશા અમર છે તો તે તમારા દુઃખને પણ ક્યારેય મરવા નહી દે…!
ગંગાસતી કહે છે સતસંગ કરો.. સતસંગ એટલે કે સતનો સંગ… સત્યનો સંગ… અને સત્ય શું છે? બ્રહ્મ સત્ય છે… જગત મિથ્યા છે… માયા છે… તો સત નો સંગ કરો… મિથ્યા વસ્તુઓનો સંગ છોડો… અલખને સાચા મનથી જો આરાધી શકો તો અલખ પોતે જ તમારે દ્વારે આવશે…!
અંતમાં ગંગાસતી સંગત કેવા વ્યક્તિની કરવી તેની સલાહ આપે છે… જે માનવી ભજનમાં ભરપુર હોય… જેણે સતનો સંગ કરેલો હોય… જેનુ મન મેરુ કરતા પણ વધારે અડીગ હોય તેવા માનવીની સંગત કરો તો તમે પણ તમારી ધારેલી મંઝિલે પહોચી જશો…!
આપ સૌના આ ભજન અને મારા લખેલા ટુકાં લેખ વિશેના આપના અભિપ્રાય જરુર અને જરુરથી અહી જણાવજો.
આભાર સહ
રાજીવ


Your Comments…!